Saturday, March 13, 2010

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો.
કાળી રાતો ને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ મળે.
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં ?
ચાલો, આંસુભીનો હિસાબ આપો.
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો.
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો.
એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો.
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો.

અસલના ઉતારા છે મારી ગઝલમાં

અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.
રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં
સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.
નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.
નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.
જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.
વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.
જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.
રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.
- મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

પૂરો થયો પ્રવાસ હવે ઘર તરફ વળો

પૂરો થયો પ્રવાસ હવે ઘર તરફ વળો
કાયમ નથી નિવાસ હવે ઘર તરફ વળો
નીકળ્યા અને પાછા ફર્યા ખોટા સ્થળે સતત
ભૂલા પડેલ શ્વાસ! હવે ઘર તરફ વળો
પાદર, તળાવ, પીપળો ને સાંજનો પ્રહર
વર્ષોથી છે ઉદાસ હવે ઘર તરફ વળો
સંવેદના ઉત્તેજના અચરજ કાં ગુમ થયાં?
પડતી મૂકો તપાસ હવે ઘર તરફ વળો
આ તો નગરનો સૂર્ય છે એ આગ ઓકશે
એમાં નથી પ્રકાશ હવે ઘર તરફ વળો…
– રિષભ મહેતા

કોઈ પ્હોંચ્યું નહીં કોઈ અટક્યું નહીં

કોઈ પ્હોંચ્યું નહીં કોઈ અટક્યું નહીં,
તે છતાં કોઈને કૈ જ ખટક્યું નહી.
ખુબ સમજું હતા સૌ સ્વજન તે છતાં,
કેમ લાગ્યું સતત? કોઈ સમજ્યું નહીં.
કોઈ વાદળ રહ્યું ઘર ઉપર હરવખત,
પૂછ્યા કયાં જવું ? કેમ વરસ્યું નહી?
ઘર બળ્યું હોત તો વાત જુદી હતી,
જીવ બળતો રહ્યો, કોઈ ફરક્યું નહીં.
પીંજરું પાંખ જેવું જ વ્હાલું હતું,
ઊડવા તરફ્ડ્યું ક્યાંય ઊડ્યું નહીં.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જરૂર કાંઈક તો કમી હતી આજે તારી મહેફિલમાં

જરૂર કાંઈક તો કમી હતી આજે તારી મહેફિલમાં,
તારી નજરના જામ અમે પીધા ન હતા. આમ તો મળતા હતા
અમે હજારો દોસ્તો ને રોજ, પણ તારી સરખામણીના કોઇ ન હતા.



તકદીર મા નથી તે વાત માગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.
પ્રેમ ની દુનીયા ને ભલે પાગલ કહેતા લોકો,
મે તો સુરજ પાસે પણ રાત માગી છે……. !!



યાદોની કીંમત તે શુ જાણે,
જે યાદો ને ભુસાવી નાખે છે,
યાદો નો અર્થ તો તેને પુછો,
જે યાદોને જીવન બનાવી નાખે છે. ...

ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું

ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું,
વિહગપંખથી જે ખરી જાય પીંછું.
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીંછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીંછું
હૃદયમાં વસ્યા પંખીઓ બહાર આવે
કદી આંખમાં જો તરી હાય પીંછું
ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું
- મનોજ ખંડેરિયા